ટેકનિકલ કોર્સીસની ખાનગી કોલેજો-યુનિવર્સિટીઓની ફી નક્કી કરતી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા અંતે રાજ્યની 101 ખાનગી કોલેજો- યુનિ.ઓની નવી ફી આજે જાહેર કરી દેવાઈ છે. ફી કમિટી દ્વારા ગત વર્ષે નવુ ફી માળખુ નક્કી કરાયુ હતુ. પરંતુ 101 જેટલી કોલેજોએ પાંચ ટકાથી વધુ ફી વધારો માંગ્યો હોવાથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન-સ્ક્રુટિની સહિતની પ્રક્રિયા કરવાની હોઈ તેમાં એક વર્ષ સમય લાગ્યો છે.
101 ટેકનિકલ કોલેજોનું 3 વર્ષનું નવું ફીનું માળખું જાહેર
ગુજરાતમાં ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, ડિગ્રી ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી, એમ.ઈ, એમ.ફાર્મ, એમબીએ, એમસીએ, બી.આર્કિટેકચર, એમ.પ્લાનિંગ અને હોટલ મેનેજમેન્ટ સહિતના વિવિધ ટેકનિકલ કોર્સીસની 621 ખાનગી કોલેજો ગત વર્ષે ફી નિર્ધારણની પ્રક્રિયા સમયે રાજ્યમાં નોંધાયેલી હતી. ફી કમિટી દ્વારા અગાઉ કોરોનાના સમયમાં ફી નિર્ધારણ થયુ ન હતુ અને ગત વર્ષે 2023-24 થી 2025-26 સુધીના ત્રણ વર્ષ માટે ફી નિર્ધારણ પ્રક્રિયા કરવાની હતી.