રામ મંદિર, મોદી લહેર, હિન્દુત્વ, વિકસિત ભારત જેવા મુદ્દાઓ સાથે '૪૦૦ પાર'નો નારો લઈને સતત ત્રીજી વખત જંગી બહુમતીથી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીતવા નીકળેલા ભાજપ માટે મંગળવારે પરિણામો આઘાતજનક રહ્યા છે. હિન્દી પટ્ટામાં ભાજપે પછડાટ ખાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત ગઠબંધન સરકારના ભરોસે રહેવું પડશે. આ ચૂંટણીએ પીએમ મોદીની લોકપ્રિયતા સામે સવાલ ઊભા કરી દીધા છે. ગયા વર્ષે નવેમ્બરમાં હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં જંગી વિજય પછી ૨૦૧૯માં એકલા હાથે ૩૦૩ બેઠકો જીતનારા ભાજપને આ વખતે ૨૫૦નો આંક પાર કરવામાં પણ ફાંફા પડી ગયા હતા, જેના પગલે એનડીએ ૨૯૧ બેઠકોમાં સમેટાઈ જવું પડયું હતું. જોકે, મંગળવારના પરિણામોએ એનડીએ સરકારની હેટ્રિક નિશ્ચિત કરી દીધી છે, પરંતુ ભાજપને બહુમતી મળી નથી એ પણ સ્પષ્ટ કરી દીધું છે.