મહારાષ્ટ્રના મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની હત્યા થઈ છે. સિદ્દિકી તેમના દીકરા જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર ઊભા હતા ત્યારે ત્રણ લોકોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમને બે છાતી-પેટના ભાગમાં અને એક પગમાં ગોળી વાગી હતી. જ્યારબાદ ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેેમનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પોલીસે બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને એક આરોપી ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શંકાસ્પદ આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો હરિયાણાનો છે. આ ઘટના બાંદ્રા ખેરવાડી સિગ્નલ નજીક બની છે. ક્રાઈમ બ્રાંચે કેસની તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે, બાબા સિદ્દિકી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું નામ હતું. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા.