કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા ૭૦મા રાષ્ટ્રીય પુરસ્કારોમાં જાણીતી ગુજરાતી ટીવી અને ફિલ્મ અભિનેત્રી માનસી પારેખને ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'માં શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. માનસી પારેખની સાથે તમિલ ફિલ્મ 'તિરુચિત્રમભલમ' માટે નિત્યા મેનને પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરાયો છે. ધારણા સેવાતી હતી તેમ મૂળ કન્નડની પણ બાદમાં હિંદીમાં પણ હિટ થયેલી અને બહુ જ વખણાયેલી ફિલ્મ 'કાંતારા' માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ જાહેર કરાયો છે. જોકે, ભારતમાં મનોરંજન શ્રેત્રના ટોચના એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત આજે બાકી રખાઈ હતી.