સમાજવાદી પાર્ટીના સ્થાપર, સરંક્ષક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના આજે તેમના પૈતૃક ગામ સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. 'નેતાજી' પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. તેમના પાર્થિવ શરીરને સૈફઈના મેલા ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. જ્યાં પોતાના લોક લાડીલા નેતાજીના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી. રાજ્યના ખૂણે-ખૂણેથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉમટ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના અનેક મંત્રી સામેલ થયા હતા. સપાના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાન પણ તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમની સાથે તેમનો દીકરો અબ્દુલ્લા આઝમ પણ હાજર હતો. આજમ ખાનના ત્યાં પહોંચતા જ મુલાયમ સિંહનો પરિવાર ભાવુક થઈ ગયો હતો.