અમેરિકાના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમણે માર્ચ-ર૦ર૩માં USAના ભારતસ્થિત રાજદૂત તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી છે. ગુજરાતની તેમની આ મુલાકાત દરમ્યાન મળેલા ઉષ્માસભર આવકાર અંગે પ્રસન્નતા વ્યકત કરતાં રાજદૂત શ્રીયુત એરિક ગાર્સેટીએ યુ.એસ અને ભારત વેપાર-વણજના દ્વિપક્ષીય સંબંધો, મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નેટ ઝીરો કાર્બન ઇકોનોમીના ક્ષેત્રોમાં સાથે મળીને ઘણું સારૂં કામ કરી શકે તેમ છે તેવી અપેક્ષા દર્શાવી હતી.
US ના રાજદૂતે ભારત અને ગુજરાત સાથે U-20, ઓલિમ્પીક્સ ગેઇમ્સ અને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લોસ એન્જેલસની મુલાકાત લેવા પણ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે ખ્યાતિ પામ્યું છે. US અને ગુજરાત વચ્ચે લાંબાગાળાના સંબંધો નિયમીત સંવાદ અને ઉચ્ચસ્તરીય જોડાણોની ગતિથી વધુ વિસ્તર્યા છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.