ગુજરાત પોલીસ દ્વારા ૨૩મી જુલાઈ, ૨૦૨૨થી વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધવા માટે e-FIRની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. eFIR સીસ્ટમ અંતર્ગત ૮મી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં કુલ ૭૯૫૩ અરજીઓ મળી હતી. જેમાંથી ૧૭૯૯ અરજીઓ માટે FIR નોંધવામાં આવી છે, જ્યારે બાકીની ૬૧૫૪ અરજીઓને દફતરે કરવામાં આવી છે. દફતરે કરેલી અરજીઓ અંગે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો, ગાંધીનગરને નકારાત્મક પ્રતિભાવો મળતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝુંબેશનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ખાસ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુન:તપાસ કરી, FIR નોંધવાની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.