દેશભરની કોર્ટોમાં પેન્ડિંગ કેસોનું ભારણ વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં જ ૭૦ હજારથી વધુ કેસો પેન્ડિંગ છે, જેમાં વર્ષો જુના કેસોનો પણ સમાવેશ થાય છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક સાથે ૧૩,૧૪૭ જુના કેસોને રદ કરવાનો નિર્ણય લીધો છે. જે પણ કેસો રદ કરવામાં આવ્યા છે તે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૪ પહેલાના છે.
આ એવા કેસો છે કે જેને ડાયરી નંબર આપી દેવાયો હતો, જોકે અરજીઓમાં ખામીઓ હોવાને કારણે તેને સુનાવણીના લિસ્ટમાં સામેલ નહોતા કરવામાં આવ્યા. અરજદારોને આ અરજીઓમાં જે પણ ખામીઓ હતી તેને સુધારવા માટે રજિસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યંુ હતું. જોકે અરજદારોએ પોતાની અરજીઓને સુધારવાને લઇને કોઇ જ જવાબ નહોતો આપ્યો. એવામાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ ૭૦ હજારથી વધુ કેસોમાંથી ૧૩ હજાર કેસોને રદ કરી દીધા છે તેથી આ કેસોની હવે ક્યારેય પણ સુનાવણી નહીં કરવામાં આવે.