કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું છે કે, જૂન 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર 22 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. જ્યારે 2022 અને 2024 વચ્ચે તેમની 38 વિદેશ યાત્રાઓ પર કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, જેમાં હોટલ, સુરક્ષા અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.
258 કરોડના ખર્ચે 38 ટ્રિપ્સ
પીએમ મોદીએ 2022માં જર્મનીની તેમની મુલાકાતથી લઈને ડિસેમ્બર 2024માં કુવૈતની મુલાકાત સુધી 38 પ્રવાસો કર્યા હતા. આ તમામ ટ્રિપ્સ પર આશરે રૂ. 258 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં હોટલમાં રોકાણ, સમુદાયનું સ્વાગત, પરિવહન અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. આમાં સુરક્ષા અને મીડિયા ડેલિગેશનનો ખર્ચ પણ સામેલ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2023માં જાપાનની મુલાકાત લીધી હતી, જે દરમિયાન લગભગ રૂ.17,19,33,356નો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે મે 2022માં તેમની નેપાળની મુલાકાત પર રૂ.80,01,483નો ખર્ચ કરવામાં આવ્યો હતો.
PM ક્યારે કયા દેશની મુલાકાતે ગયા?
2022માં વડા પ્રધાન મોદીએ ડેનમાર્ક, ફ્રાન્સ, UAE, ઉઝબેકિસ્તાન અને ઈન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. 2023 માં તેમણે ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત લીધી હતી. 2024 માં, તેમણે પોલેન્ડ પ્રવાસ પર 10,10,18,686 રૂપિયા, યુક્રેન પ્રવાસ પર 2,52,01,169 રૂપિયા, રશિયા પ્રવાસ પર 5,34,71,726 રૂપિયા, ઇટાલી પ્રવાસ પર 14,36,55,289 રૂપિયા, બ્રાઝિલ પ્રવાસ પર 5,51,86,592 રૂપિયા અને ગુયાના પ્રવાસ પર 5,45,91,795 રૂપિયા ખર્ચ્યા.