જાપાન માટે નવું વર્ષ અપશુકનિયાળ બની રહ્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે ભૂકંપમાં ૫૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતા અને અનેક ઈમારતો તૂટી પડતાં ભારે વિનાશ સર્જાયો છે. આ દુર્ઘટનાના પડઘા હજી શાંત નથી થયા ત્યાં ટોક્યો એરપોર્ટ પર મંગળવારે બે વિમાન અથડાયા હતા. કોસ્ટ ગાર્ડ વિમાન જાપાન એરલાઈન્સના વિમાન સાથે ટકરાતા બંને વિમાનમાં આગ લાગી ગઈ હતી. જાપાન એરલાઈન્સનું વિમાન સંપૂર્ણપણે આગની જ્વાળાઓમાં કેદ થઈ જાય તે પહેલાં ૩૭૯ પ્રવાસીઓએ ચાલુ વિમાનમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો. જ્યારે કોસ્ટ ગાર્ડ વિમાનમાં છમાંથી પાંચ ક્રૂનાં મોત નીપજ્યાં હતા.