દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી છે. નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના મામલામાં ઈડી અને સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા મનિષ સિસોદિયા સામે વધુ એક કેસ ચાલશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મનીષ સિસોદિયા સામે 'ફીડબેક યુનિટ' (FBU) દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ફીડબેક યુનિટ દ્વારા વિરોધ પક્ષો અને નેતાઓની કથિત જાસૂસીના કેસમાં વધુ તપાસ માટે, સીબીઆઈએ મનીષ સિસોદિયા અને અન્યો સામે કેસ દાખલ કરવા માટે લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી મંજૂરી માંગી હતી. સીબીઆઈની વિનંતી ધરાવતી ફાઈલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રપતિને મોકલી હતી. હવે ગૃહ મંત્રાલય (MHA)એ CBIને જાસૂસી કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને અન્યો સામે કેસ નોંધવાની મંજૂરી આપી દીધી છે.