ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં બુધવારે મહાશિવરાત્રીના રોજ અંતિમ પવિત્ર સ્નાન કરવામાં આવશે, જે સાથે જ આ મહાકુંભનું સમાપન થશે. લાખો લોકો હાલ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જે લોકો પહોંચી ગયા છે તેમણે મંગળવારની રાત્રે ૧૨ વાગ્યા બાદ સ્નાનનો લાભ લઇ લીધો હતો. ભારે ભીડને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રયાગરાજને નો-વિહિકલ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને પગલે કોઇ વાહનને મેળાના વિસ્તારમાં પ્રવેશવા નહીં દેવાય. બહાર જ તેને પાર્ક કરી દેવા પડશે. આ નિર્ણય મહાકુંભના સમાપન સુધી લાગુ રહેશે. અંતિમ દિવસ પૂર્વે એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જ્યારે મહાકુંભમાં ડુબકી લગાવનારાની કુલ સંખ્યા ૬૫ કરોડને પાર પહોંચી ગઇ છે.