વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. માતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતાની સાથે જ પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં હોસ્પિટલ જઈ તેઓ માતા હીરાબાને મળ્યા હતા તેમના ખબર અંતર પુછ્યા હતા. દિલ્હીથી માતાને મળવા પહોંચેલા પીએમ મોદી હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ રહી હતી. યુ.એન મહેતા હોસ્પિટલના ડોક્ટર સાથે પીએમ મોદીએ હીરાબાના ખબર અંતર પુછ્યા હતા. લગભગ સવા પાંચ વાગ્યા સુધી પીએમ મોદી હીરાબા સાથે હોસ્પિટલમાં રોકાયા હતા. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી પીએમ દિલ્હી જવા રવાના થયા હતા.