દેશમાં વધતી મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે રક્ષાબંધનથી તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં કેન્દ્ર સરકારે મંગળવારે રાંધણ ગેસના ભાવમાં રૂ. ૨૦૦નો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે દેશની બધી જ મહિલાઓને આ વિશેષ ભેટ આપી છે. આ સિવાય મોદી સરકારે ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને પણ રૂ. ૨૦૦ની વધારાની છૂટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાંધણ ગેસમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૨૦૦નો ઘટાડો કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, રક્ષાબંધનના તહેવાર પહેલાં આ ઘટાડો બહેનોને જીવનમાં વધુ રાહત આપશે.