વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પ્રવાસના ત્રીજા દિવસે તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. તેઓ દુધરેજ રોડ પર જંગી જાહેર સભા સંબોધી રહ્યા છે. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યુ કે, લોકોએ જેમને સત્તામાંથી હટાવ્યા તે પદયાત્રા કરે છે. જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યું તે લોકો ખભે હાથ મૂકીને યાત્રા કરે છે. અમે ખાલી સપના જોતા નથી, સંકલ્પ કરીએ છે.
પીએમ મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ. કોંગ્રેસ કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ. મારી કોઇ ઔકાત નથી. તમે મને નીચ કીધો, ગંદી નાળીનો કીડો કીધો, મોતનો સોદાગર કીધો. હું તો સામાન્ય પરિવારથી છુ. મારી કોઇ ઔકાત નથી. આ વખતે કમળ સિવાય કંઇ નહીં. રોળા નાખવાવાળાને ન લાવતા. હજુ મારે ઘણુ બધુ કરવું છે. વાર તહેવારે થતા અપમાન હું ગળી જાઉં છું કારણ કે, મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે, મારે આ ભારતને વિકસિત ભારત બનાવવું છે. તમારું સુરેન્દ્ર અને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે આપણો.