18મી લોકસભાના સંસદ સત્રના 5મા દિવસની કાર્યવાહી શરૂ થતાં હોબાળો મચી ગયો હતો. સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં NEET મુદ્દે વિપક્ષ દ્વારા ચર્ચાની માગ કરવામાં આવી હતી. જેના પગલે હોબાળો થતાં કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી અટકાવી દેવામાં આવી હતી. જો કે NEET મુદ્દે જોરદાર બબાલ વચ્ચે ફરી એકવાર 12 વાગ્યે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી પરંતુ વિપક્ષ NEET પર ચર્ચાની માગ પર અડગ રહેતાં હોબાળાની સ્થિતિ જળવાઈ રહી હતી. જેના પગલે ફરી એકવાર કાર્યવાહી અટકાવવી પડી હતી. લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે રાજ્યસભામાં પણ ભારે હોબાળાની સ્થિતિ વચ્ચે હાલ કાર્યવાહી ચાલી રહી છે.