મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી જાતીય હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. મણિપુરમાં કાયદો-વ્યવસ્થા તેમજ બંધારણીય મશીનરીની સ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી હોવાનું જણાવતા સુપ્રીમ કોર્ટે રાજ્યના ડીજીપીને હાજર ફરમાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે રાજ્યમાં હિંસાના કેસોની તપાસને એકદમ 'સુસ્ત' અને 'ખૂબ જ ઢીલાશપૂર્ણ' ગણાવી હતી. પૂર્વોત્તરના રાજ્યમાં બેકાબૂ જાતીય હિંસા શાંત કરવામાં કાયદાકીય એજન્સીઓની કામ કરવાની રીતની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણીમાં ડીજીપીને બધા જવાબો સાથે હાજર રહેવા આદેશ આપ્યો છે. બીજીબાજુ સુપ્રીમે સીબીઆઈને પણ નગ્ન પરેડનો ભોગ બનેલી પીડિતાઓના નિવેદન લેવા સહિતની કાર્યવાહી કરતાં અટકાવી દીધી છે.