યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ચાલુ વર્ષે વ્યાજદરમાં ત્રણ વખત ઘટાડો કરવાના સંકેત પાછળ ડોલરના ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતા તેની સીધી અસર વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી હતી. વિશ્વ બજારમાં આજે સોનું ૩૫ ડોલર ઉછળી જતાં અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં લગ્નસરા ટાણે જ સોનાના ભાવમાં રૂ. ૧૦૦૦નો ઉછાળો નોંધાતા તે રૂ. ૭૦,૦૦૦ની સપાટી કૂદાવી રૂ. ૭૦,૫૦૦ની વિક્રમી ટોચે પહોંચી ગયું હતું. સોના પાછળ આજે ચાંદીમાં પણ રૂ. ૧,૫૦૦નો ઉછાળો નોંધાતા તે રૂ. ૭૫,૫૦૦ની સપાટીએ પહોંચી હતી.