Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કથક નૃત્યને પોતાનાં વિચારો અને રજૂઆતોથી એક નવો આયામ આપનારાં 'નૃત્ય વિદુષી' કુમુદિની લાખિયાનું 94 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે અવસાન થયું છે.

નૃત્યક્ષેત્રે અજોડ પ્રદાન આપવા બદલ ભારત સરકારે પદ્મવિભૂષણથી સન્માનિત કર્યાંં હતાં. કથકની શાસ્ત્રીયતાથી દૂર રહેલાં પણ હિન્દી ફિલ્મોના શોખીનો માટે કુમુદિનીબહેનના કામની નાની ઝલક અભિનેત્રી રેખા અભિનિત ફિલ્મ 'ઉમરાવજાન'માં જોવા મળી શકે છે. જેની કૉરિયોગ્રાફી કુમુદિનીબહેને કરી હતી.

અહીં પ્રસ્તુત આલેખનમાં કુમુદિની લાખિયાનાં શિષ્યો અને કથકમાં કુમુદિનીબહેનનાં કામને પોતાની સર્જનાત્મકતાથી આગળ ધપાવનારાં કલાકાર દંપતી ઇશિરા પરીખ અને મૌલિક શાહે પોતાનાં ગુરુ અને ભારતનાં દિગ્ગજ કલાકારના જીવન અને કાર્યને શબ્દોથી શ્રદ્ધાંજલિ આપી છે.

મારા ઘરમાં કલા-સાહિત્યનું વાતાવરણ તો હંમેશાંથી હતું જ, પણ નૃત્ય અને કળા પ્રત્યે સન્માન હોવું એના માટે પ્રેમ હોય એને જોવા જવું એ એક બાબત છે અને કલામાં ઊંડા ઊતરવું એ બીજી બાબત છે.

કલામાં ઊંડા ઊતરવું એ વાત સાવ અલગ એટલા માટે છે, કારણકે, એમાં ખૂબ તપસ્યા, સાધના કરવી પડે છે. ખાસ કરીને શાસ્ત્રીય સંગીતમાં એટલી બધી મહેનત કરવી પડે છે કે તે એક પ્રકારે ત્યાગ અને બલિદાન આપવા જેવું હોય છે. આમ કરવું અઘરું છે. ત્યારે જ સમયે કુમિબહેન મારા જીવનમાં આવ્યાં.

મને યાદ છે ત્યાં સુધી મને હંમેશાંથી નૃત્ય જ કરવું હતું. લગભગ પાંચ-છ વર્ષની મારી ઉંમર હશે અને હું બાલઘર નામની સ્કૂલમાં ભણતી હતી, ત્યારથી ત્યાં થતાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મારી પસંદગી હંમેશાં નૃત્ય માટે જ થતી. મારા શિક્ષકો પણ એમ જ કહેતાં કે "આ મોટી થઈને નૃત્યાંગના જ બનશે."

એટલે એક રીતે મારામાં નૃત્ય સ્વાભાવિક અને કુદરતી રીતે આવ્યું. નસીબ કહો કે તક કહો કે પછી મારી પોતાની પ્રબળ ઇચ્છા કહો કે હું હંમેશાંથી નૃત્ય કરવા ઇચ્છતી હતી. એ વખતે એવી સભાનતા નહોતી કે હું નૃત્યના કલાકાર તરીકે મારી કારકિર્દી બનાવીશ, પણ એ ચોક્કસ હતું કે હું નૃત્ય કરતી હોઇશ.
હું જ્યારે કથક નૃત્ય જોઉં ત્યારે મને હંમેશાં એમ જ થતું કે મારે આ જ શીખવું છે. મારે આ નૃત્ય જ કરવું છે. આ નૃત્યની રેખાઓ, એનું માળખું, એમાં રહેલું ઊર્જાતત્ત્વ એ બધા વિશે તો હું અત્યારે વિચારું છું પણ એ વખતે તો એ નૃત્યનાં સ્વરૂપો પ્રત્યેનું મારું આકર્ષણ જ એટલું બધું હતું કે મને થતું કે હું નૃત્ય જ શીખીશ. એમાં પણ કથક જ શીખીશ, અને એ પણ કુમિબહેન પાસે જ શીખીશ.

મારી મમ્મી મને એમની પાસે લઈ ગઈ અને એ વખતે હું ઉંમરમાં નાની હતી અને મારો શારીરિક બાંધો પણ નાનો હતો. એટલે એમણે મારા મમ્મીને કહ્યું કે હું થોડી મોટી થાઉં ત્યારે કથક શીખવા લઈ આવે.

આખરે બે-ત્રણ વર્ષ પછી જ્યારે હું સી. એન. વિદ્યાલય માં ભણતી હતી ત્યાં કુમિબહેનનાં એક શિષ્યા દક્ષાબહેન કથક શીખવતાં હતાં. ત્યારે હું લગભગ 10-12 વર્ષની હતી. મેં દક્ષાબહેન પાસે સી. એન. વિદ્યાલયમાં કથક શીખવાનું શરૂ કર્યું ત્યારે દક્ષાબહેને જ મને 'કદમ્બ'માં શીખવા જવાનું કહ્યું એટલે પછી મારું કથકનું શિક્ષણ કુમિબહેન સાથે કદમ્બમાં શરૂ થયું.

આપણાં બધા ભારતીય શાસ્ત્રીય નૃત્યોનાં મોટાભાગનાં સ્વરૂપ સોલો ડાન્સ ફૉર્મ (એક જ કલાકાર કરે તેવાં સ્વરૂપે) છે. એ વખતે આ શાસ્ત્રીય નૃત્યો સીમિત જગ્યામાં થતાં, જેમકે કોઈ દરબારમાં નૃત્ય થાય ત્યારે એને જોવા આવેલા લોકોની ભીડની વચ્ચે કલાકારને નૃત્ય માટે ખૂબ જ સીમિત અને મર્યાદિત કે નાની જગ્યા મળતી, એટલે નૃત્યકારો એક જગ્યાએ ઊભા રહીને વધારે નૃત્ય કરતાં.

ભારતીય નૃત્યો માટે એ એક સંક્રાન્તિકાળ હતો જ્યારે નૃત્ય નાની સાંકડી જગ્યામાંથી મંચ કે સ્ટેજ તરફ પ્રયાણ કરી રહ્યાં હતાં. નૃત્ય પ્રોસિનિયમ આર્ટ બની રહ્યાં હતાં. જ્યાં મંચ પર જગ્યા મોટી હોય. હવે વિચારીએ કે મોટા સ્ટેજ પર કોઈ નૃત્યકાર એક જ જગ્યાએ કે નાની જગ્યામાં રહીને જ નૃત્ય કર્યા કરે તો દર્શકોને કેવું લાગે?

કુમિબહેને આ સવાલનો જવાબ પોતાનાં કથકથી શોધીને ત્યાંના કલાકારોને એ બતાવ્યો કે હવે માત્ર એક જ જગ્યા પર ઊભા રહીને નૃત્ય ના થાય. નૃત્ય હવે નાની જગ્યામાં નહીં પણ મોટી સ્પેસમાં કરવાનું હતું, તો તે જગ્યાનો ઉપયોગ એક કલાકાર કેવી રીતે કરે, તે તેમણે બતાવ્યું.

કુમિબહેન હંમેશાંથી એક વિચારશીલ નૃત્યકાર હતાં. તેમણે દર્શકોના દૃષ્ટિકોણથી નૃત્ય, નૃત્યકાર અને મંચને જોયાં અને એ રીતે તેમણે મંચની મોટી જગ્યાનો ઉપયોગ નૃત્ય માટે કેવી સુંદર રીતે કરી શકાય તે બખૂબી કરી બતાવ્યું.

આપણી ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના ક્ષેત્રમાં ગુરુનું બહુ મહત્ત્વ હોય અને ગુરુ કહે એમ જ કરવાનું એવા સંસ્કાર હોય એટલે ઘણીવાર લોકો પોતે જાતે વિચારવાનું બંધ કરી દેતાં હોય છે. એને જે કહ્યું હોય એ પ્રમાણે જ કરવાનું એવી માનસિકતા વિકસાવી દે છે, ભલે એવી માનસિકતા બધાની ના હોય, પણ મોટાભાગે એવું હોય.

જ્યારે કુમિબહેન કહેતાં કે તમારે દરેક બાબત વિશે પ્રશ્નો કરવા જોઈએ. મને લાગે છે કે એમણે પણ પ્રશ્નો કર્યા હશે, પરંતુ એ સમયે એક શિષ્યા પાસેથી પ્રશ્નોની અપેક્ષા નહોતી રાખવામાં આવતી આવી મારી ધારણા છે.

કુમિબહેન ખૂબ જ સમજદાર, તીક્ષ્ણ બુદ્ધિશાળી અને આગળનું જોનારાં વ્યક્તિ હતાં, એટલે તેઓ પ્રશ્ન ખૂબ કરતાં, કારણ કે તેમણે ખૂબ જોયું હતું. નાની ઉંમરે તેમણે ભારતની બહાર કલાની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો, એટલે એમની દૃષ્ટિ ખુલેલી હતી.

એક ગુરુ તરીકે તેઓ પણ અમારી સાથે ખૂબ સંવાદ કરતાં, નૃત્યની તાલીમ ઉપરાંતની વાતો કરતાં, અમને પ્રશ્નો પૂછવાનું વાતાવરણ ઊભું કરી આપ્યું હતું.

તેઓ ખાસ એ બાબત પર ભાર મૂકતાં કે તમારે બીબાઢાળ (ક્લોન) નથી બનવાનું, કાર્બન કૉપી નથી બનવાનું. નૃત્યનું વ્યાકરણ કે કૌશલ્ય શીખ્યાં પછી તમારી પોતાની આગવી શૈલી વિકસાવવાની છે. એટલે એમનાં જેટલાં શિષ્યો છે તેમાંથી જેમનામાં પણ પોતાની આગવી શૈલી વિકસાવવાની ક્ષમતા હતી એમણે એ વિકસાવી છે.

ભારતીય નૃત્ય પરંપરાની વહેતી નદીમાં પોતાનું પ્રદાન

ભારતીય શાસ્ત્રીય નૃત્યકલાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે તાલીમ અને બીજો ભાગ છે એ શીખનારનું વ્યક્તિત્વ અને એ નૃત્ય સ્વરૂપમાં પોતાનું પ્રદાન કરવાની ઉત્કટ ઝંખના. જેનાથી એ સ્વરૂપ આગળ વધતું રહે.

આપણી નૃત્ય પરંપરા કે સંગીત પરંપરા એક વહેતી નદી જેવી છે, જેમાં દરેક પેઢીનાં કલાકારોએ એના વહેણમાં પોતાનું પ્રદાન કર્યું છે. જો એમ ન હોત તો એ કલાનું વહેણ આગળ વધ્યું ન હોત. એ વહેણ જો બંધિયાર થઈ જાય તો એની પ્રસ્તુતતા અને બદલાતા સમય સાથે તેની અનુરૂપતા ખતમ થઈ જાય.

એટલે કુમિબહેને કહ્યું તો મારે કંઈ નહીં વિચારવાનું? જો એવું થાય તો એ વાત આગળ વધતી બંધ થઈ જાય. ગઈકાલનું જે આધુનિક (કન્ટેમ્પરરી) કલાસ્વરૂપ હતું તે આજની ટ્રેડિશન (પરંપરા) છે. તો આજનું જે કન્ટેમ્પરરી છે, તેને આવતીકાલની ટ્રેડિશન બનશે. તો આ રીતે પરંપરાને ઘડતાં રહેવા માટે પણ કલાકારે પોતાની કળામાં પોતાનું આગવું પ્રદાન કરવું જરૂરી છે. આ બાબતનો વિચાર કુમિબહેન તરફથી અમને મળ્યો.

નૃત્ય શીખવવું એ કલાનું એક પાસું છે અને નૃત્ય વિશે વિચાર કરતાં કરવા માટે પ્રોત્સાહિત કરવા એ સાવ અલગ બાબત છે. હું કુમિબહેનને કથક માટે પથદર્શક કહું છું, જેમણે અમને એ પથ પર મૂક્યાં. એમણે અમને એ પથ પર આગળ વધવા માટે દિશાસૂચન કર્યું અને કહ્યું કે તમે આ માર્ગે આગળ વધી શકો છો. એમનાં આ પથદર્શન માટે અમે કુમિબહેનનાં સદાય ઋણી છીએ.

કુમુદિનીબહેને કલાના પિતૃસત્તાક પરિદૃશ્યમાં પોતાનું સ્થાન ઊભું કર્યું

સ્વતંત્રતા પછી જ્યારે દિલ્હીમાં સંગીત નાટક ઍકેડેમીની સ્થાપના થઈ. એમાંથી પછી કથક કેન્દ્રની સ્થાપના થઈ. એટલે એ સમયે નૃત્ય દિલ્હીકેન્દ્રિત અને દિલ્હી સુધી જ સીમિત થઈ ગયું હતું. એવું નહોતું કે ભારતમાં બીજેબધે શાસ્ત્રીય નૃત્ય નહોતાં એવું આપણે ન કહી શકીએ, પણ ખાસ કરીને કથકનું કામ બધું દિલ્હીમાં જ થતું હતું.

એ સમયે પણ લખનઉ ઘરાના અને જયપુર ઘરાના હતાં જ, પણ જ્યારે ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલાઓનો નવયુગ આવ્યો, ત્યારે કુમિબહેન અમદાવાદથી તો માયા રાવ બેંગ્લોરથી એમ દેશભરમાંથી લોકો કથક શીખવા દિલ્હી ગયાં.

પછી એ બધાં જ કથક શીખીને દિલ્હીથી પાછાં આવી ગયાં. કુમિબહેન અમદાવાદ આવ્યા, માયા રાવ બેંગ્લોર પાછાં ગયાં. એ રીતે કથક દિલ્હીથી રાજ્યોમાં, પ્રદેશોમાં પહોંચ્યું અને એ રીતે તેનું વિકેન્દ્રીકરણ થતું ગયું.

માતાની ચીસ, પિતાની કસમ... કેવી રીતે દિલ્હીમાં બનેલી એક ઘટના બાદ પાકિસ્તાનમાં જન્મેલા મનોજકુમાર 'ભારતકુમાર' બની ગયા
અમદાવાદમાં કદમ્બથી કથકની દુનિયાની રચના

કુમિબહેન અમદાવાદ આવીને વસ્યાં અને અહીં તેમણે કથકની પોતાની એક આખી દુનિયા ઊભી કરી. એ દુનિયા ઊભી કરવી એ બિલકુલ જ સહેલી વાત નથી, પરંતુ તેમને એ સમયે અનુકુળ વાતાવરણ મળ્યું. તેમના પતિ અને તેમના પરિવાર તરફથી પણ કુમિબહેનને ખૂબ ટેકો મળ્યો.

અમદાવાદમાં પણ એ વખતે કથક શીખવનાર કોઈ હતું જ નહીં. એટલે બધું જ પહેલાથી જ શરૂ કરવાનું હતું અને એમાં સૌથી મુખ્ય તો એમનો પોતાનો જુસ્સો અને કથક શીખવવા માટેની ઉત્કંઠા ભળ્યા, અને તેમના માટે કદમ્બની રચના એક પ્લૅટફૉર્મ બન્યું. જ્યાં તેમણે પોતાના વિચારોને આધારે તેઓ જે પ્રકારે કથકનું સ્વરૂપ ઇચ્છતાં હતાં તેવું કલાસ્વરૂપ વિકસાવ્યું.

સંગીત એ નૃત્યનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. સંગીતનો જો સરસ સાથ મળે તો નૃત્યકારને જે કહેવું છે તે વ્યવસ્થિત રીતે કહેવાય. આ માટે કુમિબહેનને કદમ્બમાં ગુજરાતના ખૂબ મોટા શાસ્ત્રીય ગાયક પંડિત અતુલ દેસાઈનો સાથ મળ્યો.

અતુલભાઈ નૃત્યને એટલું સરસ રીતે સમજતા હતા કે કુમિબહેન નૃત્યમાં શું કરવા માગે છે એ એટલું સરસ રીતે સમજતાં અને એને અનુરૂપ સંગીતની રચના કરતાં. કોઈ વિચારને વિસ્તારવો કેવી રીતે એની વિશિષ્ટ પ્રતિભા અતુલભાઈમાં હતી. તેમણે પોતાના સંગીતથી કુમિબહેનની સાથે જ ઊભા રહીને સતત સહયોગ આપ્યો અને એનાથી પણ કુમિબહેનનું કામ વધારે નીખર્યું.

અત્યારે કથકનાં હજારો નૃત્યકારો અને નૃત્યાંગનાઓ છે. એમની વચ્ચે પોતાની અનોખી ઓળખ પ્રસ્થાપિત કરવી એ આજનાં નૃત્યકારો માટે કપરી સ્પર્ધાથી ઓછું નથી. એ વખતે આમ નહોતું એ પણ એક પ્રકારની અનુકૂળતા જ હતી. એ વખતે સમગ્ર ભારતમાં કથકનાં આંગળીને વેઢે ગણાય તેટલાં કલાકારો હતાં. એમાં મોટાભાગનાં એકબીજાંને ઓળખતાં હતાં. એટલે એ સમયે તમે કથકમાં કોઈ નવું કામ કરો તો તમને એની રજૂઆત કરવાની તક તરત જ મળી જાય.

શબાનાએ જ્યારે ફિલ્મોમાં આવવાનું કહ્યું તો પિતાએ મોચીનું ઉદાહરણ શા માટે આપ્યું હતું?
ટીકાઓની વચ્ચે પણ કથકના સ્વરૂપની સંભાવનાઓ વિકસાવી

કુમિબહેન નૃત્યને જુદાં જુદાં ઍંગલથી જોવાની કોશિશ કરતાં. એટલે કથકને એક વ્યક્તિ દ્વારા થતાં નૃત્યમાંથી નૃત્યકારોના એક ગ્રૂપ દ્વારા પણ થઈ શકે તેવું સ્વરૂપ આપવામાં કુમિબહેન અગ્રેસર રહ્યાં. એ સમયે નૃત્યનાટિકાઓ થતી હતી.

કુમિબહેને પણ દિલ્હીમાં 'કુમાર સંભવ' અને માલતી માધવ જેવી નૃત્યનાટિકાઓમાં ભાગ લીધો હતો, એ વાત જુદી હતી. પણ કથકને સોલો ડાન્સમાંથી ગ્રૂપ ડાન્સમાં રૂપાંતરિત કરવું. એના માટે તમે નૃત્યમાં એક શરીરને (એક કલાકારને) બદલે એક કરતાં વધુ શરીર મંચ પર હોય, ત્યારે કથકને તેમાં કેવી રીતે લાવવું એ કલાને કેવી રીતે જોવી?  એમાં કેટલી સંભાવનાઓ છે? એ બતાવ્યું.

એમણે વિચારો (થીમ) આધારિત રજૂઆતો કરી. જેમકે, નૃત્યનાટિકામાં હોય એવી કોઈ મોટી કથા નહીં, પણ ઍબ્સ્ટ્રેક્ટ (અમૂર્ત) બાબતોને એક થીમ માધ્યમથી રજૂ કરતી રચનાઓનું સર્જન કર્યું.

નૃત્યમાં બે ભાગ છે એક છે કથાનક એટલે કે સ્ટોરી અને બીજું છે નૃત્. જેમાં તાલ અને સૂર અનુસાર ભાવભંગિમાઓ દર્શાવવી. આ નૃત્ ને એક કરતાં વધુ કલાકારો સાથે કથકમાં રજૂ કરી શકાય એવો વિચાર કોઈએ નહોતો આપ્યો જે કુમિબહેને આપ્યો અને એ રીતે તેમણે કથકમાં ક્રાંતિ લાવી. તેમણે કથકમાં ગ્રૂપ કૉરિયોગ્રાફીની શરૂઆત કરી.

એ વખતે એમણે ખૂબ જ ટીકાનો સામનો કરવો પડ્યો, કારણ કે એ સમયનાં કથકને જાણનારા રૂઢિવાદી લોકોએ એમનો વિરોધ કર્યો હતો. એમને મતે તો એને કથક જ ન કહી શકાય.

જોકે, કુમિબહેનનાં કામે એ રૂઢિવાદી લોકોને એક પ્રકારે અસુરક્ષિત કરી દીધાં હતાં અને જ્યારે લોકોને કોઈ નવા વિચારને સ્વીકારવાનો ભય લાગે ત્યારે તેઓ તેની ટીકા જ કરતાં હોય તેવો સામાન્ય ઇતિહાસ રહ્યો છે. આ બધાની વચ્ચે પણ કુમિબહેને તો પોતાનું કામ ચાલુ જ રાખ્યું.

એમણે આખી કથાને બદલે એક વિષયવસ્તુ લઈને તેને કથકમાં ઢાળીને રજૂઆત કરી. જેમકે, 'ધબકાર' જેમાં કુમિબહેને નૃત્ દ્વારા હૃદયના ધબકારાને કથકમાં કઈ રીતે પ્રસ્તુત કરાય એ દર્શાવ્યું. પછી આગળ જતાં એમણે સમકાલિન કવિતાઓ જેમકે હિન્દીના કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાની કવિતા 'કોટ'નું કથકમાં નિરૂપણ કર્યું. આવું થઈ શકે એવું પણ એમના પહેલાં કોઈએ જ નહોતું વિચાર્યું.

તેમણે 'અતઃ કિમ્' (હવે આગળ શું – What Next?) ની રજૂઆત કરી જે એમના વ્યક્તિત્વમાં રહેલી આગળનું જોવાની ઉત્સુક્તાને એક પ્રકારે પ્રતિબિંબિત કરે છે.

કથકમાં ગ્રૂપ કૉરિયોગ્રાફીની શરૂઆત કરવાને કારણે એમની ખૂબ ટીકા પણ થઈ, પરંતુ જે લોકો એમની ટીકા કરતાં એ જ લોકો પાછી એમની નકલ પણ કરતાં, જે એમની સફળતા સૂચવે છે.

કથકનાં કલાગુરુ કુમુદિનીબહેન
એક ગુરુ તરીકે કુમિબહેન શિષ્યોથી પોતાની નારાજગી ક્યારેય છુપાવતાં નહીં. એ નારાજ હોય તો તરત જ અમને ખબર પડી જતી. મોટેથી વિદ્યાર્થીઓને કહે. ક્યારેક તમને અવગણે અને એ રીતે તમને જણાવી દે કે તેમને કોઈ બાબત પસંદ નથી આવી કે એ નારાજ છે.

જોકે, તેમણે વ્યક્તિગત રીતે મારા અને મૌલિક પર ક્યારેય ગુસ્સો નથી કર્યો. એ રીતે અમે એમનાં 'ફેવરેટ' હતાં. એની પાછળનું એક કારણ એ પણ હતું કે અમે બન્ને (હું અને મૌલિક) એવાં વિદ્યાર્થીઓ હતાં જે કુમિબહેનનાં કહ્યા વિના પણ એમને જે રીતે નૃત્ય જોઇતું હોય તે રીતે અમે એમને એ પ્રકારે કરીને દેખાડી શકતાં.

એટલે અમારા પર એમને ગુસ્સો કરવાનો બહુ મોકો નહોતો મળતો. એ ઇશારો કરતાં અને અમે સમજી જતાં. એને લીધે જ હું અને મૌલિક પહેલાં કુમિબહેનનાં શિષ્યો રહ્યાં અને પછી વર્ષો સુધી કદમ્બનાં પર્ફૉર્મિંગ યુનિટમાં પ્રિન્સિપલ ડાન્સર તરીકે એમની સાથે જ કરતાં રહ્યાં, ત્યાં જ વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે શીખવતાં પણ હતાં. કદમ્બનો અને કુમિબહેનનો જે સુવર્ણકાળ હતો એના અમે સાક્ષી છીએ.

ગુરુ સાથે ક્યાં અંતર રહે?
અમે 1995માં કદમ્બથી છૂટાં થઈને આનર્તની સ્થાપના કરી, ત્યારે થોડો સમય એવો ગયો કે કુમિબહેન સાથે એક અંતર થઈ ગયું હતું, પણ આખરે તો એ અમારા ગુરુ હતા અને એમના પ્રત્યેનો પ્રેમ અને સન્માન તો ક્યારેય ઓછો થયો નહીં. એ ક્યારેય મટી જતો નથી.

એના પર થોડા સમય માટે નારાજગીનો પડદો આવી જાય. અમે જેમ-જેમ આગળ વધતાં ગયાં, પછી એ નારાજગી દૂર થઈ ગઈ. એ પછી અમે પ્રેમથી મળતાં અને તેઓ પણ અમને પુષ્કળ પ્રેમથી બોલાવતાં અને અમે એમને ત્યાં જતાં.

સોશિયલ મીડિયાના સમયમાં અમે કોઈ રીલ્સ મૂકી હોય અને કુમિબહેન એ જુએ તો તરત ફોન કરે અને વખાણે પણ ખરાં કે "મૌલિક, તેં સરસ કર્યું છે." હું પણ જ્યારે નૃત્ય માટે કવિતાઓ લખું ત્યારે એ બહુ જ ખુશ થતાં.

હમણાં બે-એક વર્ષ પહેલાં મેં તેમના માટે કંઈક લખ્યું, ત્યારે એ એટલા બધાં ખુશ થયા કે તેમના પર જ્યારે ફિલ્મ બની, ત્યારે પણ એમણે મને ફોન કરીને એમના વિશે લખેલી એ કવિતા બોલવાનું પણ યાદ કરાવ્યું.

એ અમારાં માટે અમારાં જીવનનો ખૂબ જ મહત્ત્વનો ભાગ બની રહ્યાં અને રહેશે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ