Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીઢ પત્રકાર અને સંપાદક શીલા ભટ્ટ અને જાણીતા ગુજરાતી લેખક મધુ રાયએ મંગળવારે, ભારતીય વિદ્યા ભવન અમદાવાદ ખાતે, સુપ્રસિદ્ધ ગુજરાતી પત્રકાર અને લેખક સ્વ.કાન્તિ ભટ્ટની યાદમાં નિર્મિત એક અનોખા સ્મારક અને વાંચન ખંડનું લોકાર્પણ કર્યું હતું. ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે’ આ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો.

જનતાને સમર્પિત અને કોઈ લેખક-પત્રકારની યાદમાં બનેલું આ પહેલું આવું સ્મારક છે. ભવન્સ ખાતે ભારતીય વિદ્યા ભવનના હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ (HBICM) દ્વારા આ સ્મારકનું સંચાલન થશે. અહિંયા સ્વ.કાન્તિભાઈના 1,600 થી વધુ પુસ્તકોના વ્યક્તિગત પુસ્તક સંગ્રહ અને તેમના પ્રકાશિત થયેલા 16,000 લેખો, તેમજ તેમની કેટલીક અંગત વસ્તુઓનો સંગ્રહ જાળવવામાં આવ્યો છે.

કાન્તિભાઈ એ લગભગ પાંચ દાયકા જેટલી તેમની લેખન કારકિર્દીની શરૂઆત 1970માં કરી હતી. તેમનું લેખન કાર્ય વર્ષ 2019 સુધી, વિના વિરામ, તેમના અવસાન સુધી ચાલુ રહ્યું હતું. તેમણે મુખ્યત્વે કાન્તિ ભટ્ટ તરીકે અને બહુવિધ ઉપનામોથી વ્યાપકપણે લખ્યું છે. તેમની કૉલમ્સ અને લેખો દાયકાઓ સુધી ગુજરાતી વાચકો માટે સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક બાબતો પર સચોટ માહિતી અને તીક્ષ્ણ પરિપ્રેક્ષ્ય જાણવા માટે લોકપ્રિય હતા. તેમણે અને તેમની પત્નીએ સંયુક્ત રીતે સૌથી લોકપ્રિય ગુજરાતી સામયિકોમાંનું એક, અભિયાન શરૂ કર્યું હતું. તેમણે 50થી વધુ પુસ્તકો પણ લખ્યા છે. તેઓ પ્રમાણિકતા અને ખૂબ જ નિર્ભીક તથા ધારદાર લેખન માટે જાણીતા હતા.

“કાન્તિ ભટ્ટના કદના અને ગજાના પત્રકાર માટે સ્મારક એ એક યોગ્ય શ્રદ્ધાંજલિ છે,” તરીકે વર્ણવતા, તેમના પત્ની શીલા ભટ્ટે ભારતીય વિદ્યા ભવનની આવું સ્મારક બનાવવાની પહેલની પ્રશંસા કરી. તેમણે આ સ્મારકથી પ્રેરણા લઇ અને અન્ય સુપ્રસિદ્ધ પત્રકારો અને લેખકોની યાદમાં આવા જીવંત સ્મારકો બનાવવા માટે આગ્રહ કર્યો. “કાન્તિ ભટ્ટને પુસ્તકો ખુબ પ્રિય હતા. મને ખાતરી છે કે તેમની અંતિમ ક્ષણો દરમિયાન પણ તેઓ તેમના પુસ્તકો અને તેમના લખાણોનું શું થશે તે વિચારતા હશે. હવે જરૂરથી તેમના આત્માને શાંતિ મળશે,” શીલા ભટ્ટે કાર્યક્રમમાં શ્રોતાઓને સંબોધતા કહ્યું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ