ઉત્તરાખંડમાં 23 જાન્યુઆરીના રોજ નગર નિગમની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસના એક દિગ્ગજ નેતાની પત્નીને ટિકિટ ન મળતાં તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ દિગ્ગજ નેતા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ મથુરા દત્ત જોષી છે.
મથુરા દત્ત જોષી શનિવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા હતાં. તદુપરાંત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી બિટ્ટુ કર્ણાટક અને કોંગ્રેસ નેતા જગત સિંહ ખાટી પણ ભાજપમાં જોડાયા છે. બિટ્ટુ કર્ણાટક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતના અંગત સભ્યો પૈકી એક છે. કોંગ્રેસના આ ત્રણેય નેતાઓ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતાં.