વડા પ્રધાન નરેન્દ્ર મોદી હજારો લોકોની જંગી સભાઓ અને ભીડને જે રીતે કાબૂમાં રાખી શકે છે તેનાથી અમેરિકાના પ્રમુખ જો બાઈડનને આશ્ચર્ય થયું છે. ગઈ કાલે અહીં ક્વાડ દેશોના વડાઓની બેઠક મળી હતી ત્યારે બાઈડન સામે ચાલીને મોદીની સીટ સુધી ગયા હતા. એમને આવતા જોઈને મોદી એમની સીટ પરથી ઊભા થઈ ગયા હતા અને બંને નેતા એકબીજાને ભેટ્યા હતા. બાઈડને સ્મિત વેરીને મોદીને કહ્યું કે, ‘તમે તો અમેરિકામાં પણ ઘણા લોકપ્રિય છો. તમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની મને અગ્રગણ્ય નાગરિકો તરફથી ઢગલાબંધ વિનંતીઓ કરવામાં આવે છે. લોકોની ભીડને કાબૂમાં રાખવી એ મારે માટે એક નવો પડકાર છે. મારે તો તમારા ઓટોગ્રાફ લેવા જોઈએ.’