સંસ્કૃતિ અને સાતત્યના પ્રતીક સમાન ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત અખબાર જન્મભૂમિ આયોજીત જન્મભૂમિ એવૉર્ડ્સ ગુજરાતી- 2025ના નામાંકનોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મો, રંગભૂમિ તથા કેટલીક વ્યક્તિ વિશેષને સન્માન્વાનો આ સમારંભ બીજી એપ્રિલે મુંબઈ ખાતે યોજાવાનો છે, જેમાં વર્ષ 2024માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો અને નાટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતી ફિલ્મોનું સ્તર સતત સુધરતું રહ્યું છે અને 2024માં તો કુલ 104 ફિલ્મોની રિલીઝ એ એક મોટી સિદ્ધિ સમાન છે. એ જ રીતે મુંબઈ અને ગુજરાતની વ્યાવસાયિક રંગભૂમિ પર પણ એકથી એક ચડિયાતા વિષયો અને વૈવિધ્ય ધરાવતાં નાટકો રજૂ થાય છે તથા ટેલિવિઝન, ઓટીટી અને ફિલ્મોને અહીંના કલાકારો ગજવી રહ્યા છે. આ ફિલ્મો તથા નાટકો ગુજરાતી ભાષાને જીવંત અને ધબકતી રાખવા માટે પ્રયત્નરત હોવાથી આ ગુજરાતી ગૌરવ અને ગોરવવંતા ગુજરાતીઓને બિરદાવવા માટે જન્મભૂમિ એવૉર્ડ્સ ગુજરાતી-2025નું આયોજન કરાયું છે. પહેલી જાન્યુઆરી, 2024થી 31મી ડિસેમ્બર, 2024 વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મો તથા નાટકોની ઍન્ટ્રીઝ મગાવવામાં આવી હતી. અમદાવાદ અને મુંબઈના રંગકર્મીઓ, કલાકારો અને કસબીઓની તટસ્થ જ્યુરીએ આવેલી ઍન્ટ્રીમાંથી તમામ ફિલ્મો જોયા બાદ વિવિધ કેટેગરીમાં નામાંકનોની યાદી તૈયાર કરી છે, જેની જાહેરાત આજે કરવામાં આવી છે.
ગુજરાતી નાટકો માટેનાં એવૉર્ડની જ્યુરી આવેલી ઍન્ટ્રીઝમાંથી પસંદગી પામેલા વિજેતાઓનાં નામની જાહેરાત ટૂંક સમયમાં જાહેર કરાશે. આ જ્યુરીમાં પણ રંગભૂમિ સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત અને તટસ્થ લોકોનો સમાવેશ કરાયો છે.