ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે જળયાત્રા યોજાઈ હતી. આ જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે શરૂ થઈ હતી. ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા હતા. સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી. ભગવાનની જળાભિષેકની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. મહંત દિલીપદાસજી, મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો.