રાજસ્થાનના જયપુર-અજમેર હાઈવે પર શુક્રવારે વહેલી સવારે એક એલપીજી ટેન્કર ટ્રક સાથે અથાડાતા ભયાનક આગના ગોળા સર્જાયા હતા, જેમાં ૧૧ લોકોનાં મોત થયા હતા અને ૩૫થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ૨૯ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ગણતરીની મિનિટોમાં ૪૦થી વધુ વાહનો ખાખ થઈ ગયા અને ઊડતા પક્ષી પણ મોતને ભેટયાં. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂ. ૫-૫ લાખની આર્થિક સહાય જાહેર કરી છે. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું હતું કે, જયપુર-અજમેર હાઈવે પર ભાંકરોટ ખાતે વહેલી સવારે ૫.૩૦ કલાકે એક સ્કૂલ સામે ધુમ્મસથી અંધકારભર્યા વાતાવરણમાં એક એલપીજી ટેન્કર યુ-ટર્ન લઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં એલપીજી ટેન્કરના આઉટલેટ નોઝલને નુકસાન થતાં ગેસ લીક થયો હતો અને આગ ફાટી નીકળી હતી.