ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો નરેન્દ્ર મોદીનો સંકલ્પ ૩૨ વર્ષ અને ૭ દિવસે વડાપ્રધાન તરીકે તેમણે પૂરો કર્યો છે. આ સાથે માત્ર અવધ જ નગરી જ નહીં પરંતુ વિશ્વભરમાં જય શ્રી રામ જય જય શ્રી રામનો જયકાર થવા લાગ્યો હતો. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮૪ સેકન્ડના અભિજિત મુહૂર્તમાં રામ લલ્લાની શ્યામવર્ણી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એક નવા યુગનો શંખનાદ કર્યો છે. આ પ્રસંગે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લાખો મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. વધુમાં સંધ્યા સમયે દેશવાસીઓએ '૫૫૦ કરતાં વધુ વર્ષના વનવાસ' પછી ભગવાન રામના પુનરાગમનની ઊજવણી કરતાં દિપ પ્રગટાવી 'દિવાળી'ની ઊજવણી કરી હતી.