વર્ષ ૨૦૨૪ માં રીલિઝ થયેલા ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને કેટલાક વ્યકિત વિશેષ નું આ ભવ્યાતિભવ્ય એવોર્ડ સમારંભમાં સન્માન થશે.
આગામી ૨૯ માર્ચે મુંબઈ ખાતે યોજાશે ભવ્ય એવોર્ડ સમારંભ..
અમદાવાદ ખાતે નાટ્ય અને ફિલ્મો સાથે જોડાયેલા કલાકારો અને કસબીઓ સમક્ષ જન્મભૂમિ દ્વારા વિધીવત જાહેરાત.
એવોર્ડસ ની પરીકલ્પના અને સંચાલનની જવાબદારી અનેક એવોર્ડસના અનુભવી એવા અભિલાષ ઘોડાની કંપની તીહાઇ - ધ મ્યુઝિક પીપલ ને સોંપવામાં આવી.
ફિલ્મો ની એન્ટ્રી લેવાનું તારીખ ૨૭ ફેબ્રુઆરીએ શરૂ થશે, અને તારીખ ૭ માર્ચે પુર્ણ થશે.
નોમીનેશન એનાઉન્સમેન્ટ ૧૯ માર્ચે કરવામાં આવશે.
દર વર્ષે ગુજરાતી ફિલ્મોનું સ્તર ખુબ જ સુધરતું જાય છે. એક પછી એક સુંદર અને જકડી રાખે તેવા વિષયો સાથે એકથી એક ચડીયાતી ગુજરાતી ફિલ્મો આવી રહી છે. વર્ષ ૨૦૨૪ ની વાત કરીએ તો કુલ ૧૦૪ ફિલ્મો રીલિઝ થઇ.
બીજી તરફ નાટકો પણ એકથી એક ચડીયાતા આવી રહ્યા છે. ત્યારે અખબાર ની દુનિયા માં પ્રતિષ્ઠા ધરાવતા જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝ પેપર્સ એ આવી મજાની ફીલ્મો અને નાટકોના કલાકારો અને કસબીઓ ને સન્માનવાનું બીડું ઝડપ્યું છે.
અમદાવાદ ખાતે નાટ્યજગત અને ફિલ્મજગત સાથે જોડાયેલા કલાકારો અને કસબીઓ ની હાજરી માં જન્મભૂમિ એવોર્ડસ ગુજરાતી - ૨૦૨૫ ની વિધીવત જાહેરાત કરવામાં આવી.
૧ જાન્યુઆરી, ૨૦૨૪ થી ૩૧ ડીસેમ્બર, ૨૦૨૪ દરમ્યાન રીલિઝ થયેલી કમર્શિયલ ફીચર ફિલ્મોની એન્ટ્રી મંગાવી, તટસ્થ જ્યુરી દ્વારા તેનું સ્ક્રિનિંગ કરાવી, નોમિનેશન જાહેર કરવામાં આવશે.
કુલ ૩૦ વિભાગમાં વહેચાયેલ આ ગુજરાતી ફિલ્મના એવોર્ડસના નોમીનેશનમાંથી વિજેતા થયેલા કલાકારો અને કસબીઓને આગામી ૨૯ માર્ચ, શનિવારે મુંબઇ ખાતે યોજાનાર ભવ્ય સમારંભના મંચ પર સત્કારવામાં આવશે.
એ જ રીતે ગુજરાતી નાટકના કલાકારો અને કસબીઓ ની પસંદગી માટે નાટ્ય જગત ના અનુભવી અને તટસ્થ મહાનુભાવોની સમિતીની પણ રચના કરવામાં આવી છે. નાટકો માટે સીધા જ વિજેતા જાહેર કરવામાં આવશે. જે અંદાજીત ૧૫ વિભાગોમાં આપવામાં આવશે.
જન્મભૂમિ ગ્રૃપના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી હાર્દિક મામણીયા એ જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા સાથે નવી પેઢી જોડાયેલ રહે તે હેતુથી આ એવોર્ડ સમારંભ નું ભવ્ય આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમગ્ર એવોર્ડ સમારંભ ના આયોજનની જવાબદારી ગુજરાતની સંસ્થા તીહાઇ-ધ મ્યુઝિક પીપલ ના અભિલાષ ઘોડાને સોંપવામાં આવી છે.