મહારાષ્ટ્રમાં ગત વર્ષે એકનાથ શિંદેના ઉદ્ધવ સરકાર સામે બળવાને પગલે સર્જાયેલા રાજકીય ઘટનાક્રમને લગતી અરજીની સુનાવણી સાત ન્યાયમૂર્તિઓની બેન્ચને સોંપવાની માગણી અંગે પોતાનો ચુકાદોઅનામત રાખ્યો છે. જોકે, આ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભૂમિકા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કોશ્યારીનાં વલણ સામે અસંમતિ વ્યક્ત કરતાં ટિપ્પણી કરી હતી કે આખરે કોઈ રાજ્યપાલ રાજકારણમાં દખલ કેવી રીતે કરી શકે ? રાજકીય ગઠબંધન અને સરકારની રચના પર તેઓ કેવી રીતે સલાહ કે ટિપ્પણી આપી શકે ? રાજકીય પક્ષો તથા નેતાઓ મતદારો પાસે એક વ્યક્તિ તરીકે નહીં પણ સમાન વિચારધારાના નામે જાય છે અને લોકો પક્ષની વિચારધારાના આધારે મતદાન કરે છે તેવી દલીલ રાજ્યપાલ વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરી હતી. તે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.