2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ફરી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિશ્વાસુ અને નિકટના ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા એ EVMમાં છેડાછાડ થઈ શકતી હોવાનો દાવો કર્યો છે. તેમણે ટુંક સમયમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે EVMનો ખુલાસો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, ઈવીએમને કંટ્રોલ કરી શકાય છે અને તેમાં છેડછાડ કરવી પણ શક્ય છે. સામ પિત્રોડાએ કહ્યું કે, હાલ ભારતમાં ઈવીએમ સ્વતંત્ર રીતે ઉપયોગમાં લેવાતા મશીન નથી. ઈવીએમ મશીન સાથે વીવીપેટ મશીન જોડ્યા બાદ આશંકાઓ શરૂ થઈ છે. વીવીપેટમાં હાર્ડવેર અને સોફ્ટવેર હોવાથી તે એક અલગ ડિવાઈસ છે. ઈવીએમ સાથે વીવીપેટને જોડવા એક સ્પેશ્યલ કનેક્ટરનો ઉપયોગ કરાય છે, જેને એસએલયૂ કહેવાય છે. આ એસએલયુના કારણે ઘણી આશંકાઓ ઉભી થાય છે.