વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, ૨૨ જાન્યુઆરીએ થનારી પ્રાણ-પ્રતિષ્ઠા પૂર્વે હું આજથી ૧૧ દિવસનું અનુષ્ઠાન શરૂ કરીશ. પ્રાણ-પ્રતિષ્ઠાને માત્ર ૧૧ દિવસ જ બાકી રહ્યાં છે. મારૂં તે સૌભાગ્ય છે કે, આ પુણ્ય પ્રસંગમાં હું સાક્ષી બનીશ.
વિદ્વાનો જણાવે છે કે, વૈદિક-વિધિ પ્રમાણે અનુષ્ઠાન એટલે સવારે બ્રહ્મ મુહૂર્તે જાગવાનું (સવારે ૪ વાગે જાગી જવાનું), પછી સ્નાનાદિક કાર્ય કરી ઇશ્વરનું ધ્યાન ધરવાનું ભોજનમાં માત્ર ફળાહાર જ લેવાનો.
તે સર્વવિદિત છે કે વડાપ્રધાનના હસ્તે જ અયોધ્યા રામ-જન્મ ભૂમિ મંદિરમાં તા. ૨૨ જાન્યુઆરીએ ભગવાન શ્રીરામ, સીતામાતા, અને લક્ષ્મણ ભ્રાતાની મૂર્તિઓ સમક્ષ મહાવીર હનુમાનજીની પણ મૂર્તિમાં વેદોક્ત વિધિ પ્રમાણે પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. જે મંગલકાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે.
આ પ્રસંગની ઉજવણી સમયે દેશ-વિદેશના કેટલાયે વીવીઆઈપીઓને નિમંત્રણ પાઠવી દેવાયાં છે.
આ પ્રાણ-પ્રતિષ્ઠા પૂર્વેના એક સપ્તાહથી ૧૬ જાન્યુઆરીથી વૈદિક ધર્મ પ્રમાણેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, તેનું નેતૃત્વ બનારસના વિદ્વાન આચાર્ય, લક્ષ્મીકાંત દીક્ષિત કરવાના છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ૧૦૦૮ કુંડી મહાયજ્ઞા પણ યોજવામાં આવશે. જે દરમિયાન હજારો શ્રદ્ધાળુઓનાં ભોજનની વ્યવસ્થા કરાશે.
આ પ્રસંગે ૩ થી ૪ લાખ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે તેમ માનવામાં આવે છે. તેઓને રહેવા માટે શ્રીરામ-જન્મ-ભૂમિ ટ્રસ્ટે વિશાળ ટેન્ટસ બનાવ્યા છે. એક ટેન્ટમાં ૧૦ થી ૧૫ હજાર શ્રદ્ધાળુઓ રહી શકશે.
સૌથી મહત્ત્વની વાત તો સેનિટેશનની છે. ટ્રસ્ટે ઉત્તર પ્રદેશ સરકારના સહયોગથી તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી દીધી હોવાનું કહેવામાં આવ્યું છે.
અયોધ્યાની હોટલોએ પણ તે સમયે ઓછામાં ઓછા એક સપ્તાહથી આવનારા શ્રદ્ધાળુઓના ધસારા માટે તૈયારી કરી દીધી છે. તેટલું જ નહીં પરંતુ નગરવાસીઓએ પણ પોતાનાં ઘરોમાં શ્રદ્ધાળુઓને રાખવા તૈયારી દર્શાવી છે.
બીજી તરફ કોંગ્રેસ અને તેના સાથી વિપક્ષોએ આ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કરવા નિર્ણય લીધો છે.