PL-2023માં ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે 18 રને વિજય થયો છે. બેંગ્લોરે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 126 રન બનાવ્યા હતા, જેના જવાબમાં લખનઉની ટીમે 19.5 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આજની મેચમાં લખનઉના તમામ ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું, તો બેંગ્લોર તરફથી ઓપનિંગ જોડી વિરાટ કોહલી અને ફાક ડુપ્લેસિસ સિવાય અન્ય કોઈ ખેલાડીઓ ખાસ રન બનાવી શક્યા નહતા. તો બીજીતરફ હંમેશા ઓપનિંગમાં આવતો કે.એલ.રાહુલ આજની મેચમાં છેક 11માં ક્રમાંકે બેટીંગમાં ઉતર્યો હતો, જોકે તે પણ તેની ટીમ માટે કંઈ ખાસ કરી શક્યો ન હતો. લખનઉ તરફથી નવીન ઉલ-હકે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, તો બેંગ્લોર તરફથી જોશ હેઝલવુડ અને કર્ન શર્માએ સૌથી વધુ 2 વિકેટ ખેરવી હતી. આ અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી હતી.