કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે આતંકવાદીઓ બેફામ બન્યા છે. જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર તાજેતરમાં સૌથી મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો માટે જાણીતા પહલગામમાં આતંકવાદીઓએ પર્યટકોના નામ પૂછ્યા, ધર્મ જાણ્યો અને પછી તેમને ગોળી ધરબી દીધી. આ ઘાતકી હુમલામાં અત્યાર સુધીમાં 28થી વધુ પર્યટકો માર્યા ગયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ત્યારે હવે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે, 'મેં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક કર્રા સાથે ચર્ચા કરી અને આ હુમલાની સ્થિતિની લેટેસ્ટ જાણકારી લીધી છે.'