ભારતનો છૂટક ફુગાવો ત્રણ મહિના સુધી ઘટયા પછી જાન્યુઆરીમાં ઉચકાઈને ૬.૫૨ ટકા થયો છે. આ સાથે ફુગાવાના મોરચે હજી સ્થિતિ અંકુશમાં નથી તેની ચેતવણી પણ આપી છે.
જાન્યુઆરીમાં છૂટક ફુગાવામાં વધારો થવાનું કારણ અનાજના ભાવમાં થયેલો વધારો છે, એમ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જણાવ્યું હતું. અગાઉના મહિનાઓમાં ડિસેમ્બર ૨૦૨૨માં ફુગાવો ૫.૭૨ ટકા અને જાન્યુઆરી ૨૦૨૨માં ૬.૦૧ ટકા હતો. આમ રિઝર્વ બેન્ક ફુગાવાને અંકુશમાં રાખવાને અગ્રતા આપી રહી છે. નવા આંકડા મુજબ ફૂડ બાસ્કેટનો ફુગાવો ડિસેમ્બરના ૪.૧૯ ટકાથી વધીને જાન્યુઆરી ૨૦૨૩માં ૫.૯૪ ટકા થયો હતો. અગાઉ તે ઓક્ટોબરમાં ૬.૭૭ ટકા જેટલો ઊંચો હતો. રિઝર્વ બેન્કે ફુગાવાનો અંકુશમાં રાખવાની મર્યાદા કેન્દ્ર સરકાર માટે ચાર ટકાની રાખી છે. ગયા સપ્તાહે મળેલી રિઝર્વ બેન્કની નીતિગત બેઠકમાં રેપો રેટ ૨૫ બેસિસ પોઇન્ટ વધારવામાં આવતા ચાવીરૂપ વ્યાજદર વધીને ૬.૫૦ ટકા થયો હતો. આ અપેક્ષિત હતું.