ભારતની સૌથી મોટી અને બજેટ એરલાઈન કંપની ઈન્ડિગોએ રેકોર્ડ નોંધાવવાની સાથે દેશના ઈતિહાસમાં સૌથી મોટો ઓર્ડર આપ્યો છે. કંપનીએ સોમવારે જાહેરાત કરી કે, તે તેના કાફલામાં 500 પ્લેનને સામેલ કરશે, જે એરબસ નીઓ ફેમિલીના હશે. અગાઉ એર ઈન્ડિયાએ ભારતીય ઈતિહાસનો સૌથી મોટો ઓર્ડર આપ્યો હતો. એર ઈન્ડિયાએ 2023માં જ 470 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. ભારતીય બજેટ એરલાઇન ઈન્ડિગોએ પેરિસમાં યોજાઈ રહેલા એર શો દરમિયાન આ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે, નીઓ ફેમિલી એન્જિનવાળા એરક્રાફ્ટનો ઓર્ડર આપીને કાફલામાં વધારો કરવા જઈ રહી છે. આ એરક્રાફ્ટ 2030થી 2035 સુધીમાં કંપનીને સપ્લાય કરાશે.