ભારતીય રેલવને નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૨.૪૦ લાખ કરોડ રૂપિયાની વિક્રમજનક આવક થઇ છે. ગત નાણાકીય વર્ષની સરખામણીમાં રેલવેની આવકમાં ૪૯,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે તેમ રેલવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
નિવેદન અનુસાર ૨૦૨૨-૨૩માં ગુડ્સ ટ્રેનની આવક વધીને ૧.૬૨ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ ૧૫ ટકા વધારે છે.ભારતીય રેલવેની પેસેન્જર આવક વાર્ષિક ધોરણે ૬૧ ટકા વધીને ૬૩,૩૦૦ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ છે. નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ પછી ભારતીય રેલવે પોતાના પેન્શન ખર્ચને પૂર્ણ કરવામાં સક્ષમ થઇ ગયું છે.