સુપર ટયુસડેમાં વરમોન્ટમાં જીતવા છતાં અગિયાર રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રભાવશાળી દેખાવ કરતાં વિવેક રામાસ્વામી, રોન દસેન્ટિસ બાદ હવે નિક્કી હેલીએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતાં હવે રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ડોનાલ્ડ ટ્રમ્પ સામે નવેમ્બરમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તે નિશ્ચિત બની ગયું છે. પંદર રાજ્યોમાં સુપર ટયુસ ડેના રોજ થયેલાં મતદાનોના પરિણામોમાં નિક્કી હેલીને માત્ર ૮૬ ઉમેદવારોનો અને ડોનાલ્ડ ટ્રમ્પને ૯૯૫ ઉમેદવારોનો ટેકો સાંપડયો છે. બુધવારે સવારે રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરતાં હેલીએ સાઉથ કેરોલાઇનાના ચાર્લ્સટન ખાતે જણાવ્યું હતું કે આ મહાન દેશમાં મને ચોતરફથી જે ટેકો મળ્યો તેનાથી હું આભારી છું. પણ હવે મારો ચૂંટણી પ્રચાર અટકાવવાનો સમય આવી ગયો છે. અમેરિકનોનો તેમનો પોતાનો અવાજ હોવો જોઇએ તેમ મેં કહ્યું હતું અને મેં આ કામ કર્યુ છે. મને કોઇ અફસોસ નથી.