નાસાએ ચંદ્રથી મંગળ નામનો પ્રોગ્રામ શરૃ કર્યો છે અને તેના પ્રથમ વડા તરીકે ભારતીય મૂળના સોફ્ટવેર-રોબોટિક્સ એન્જિનિયર અમિત ક્ષત્રિય પર પસંદગી ઉતારી છે. અમિત ક્ષત્રિય નાસામાં છેલ્લાં ૨૦ વર્ષથી કાર્યરત છે અને વિવિધ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. હવે તેમની જવાબદારી મૂન ટુ માર્સ પ્રોગ્રામની રહેશે.
ભારતીય મૂળના સોફ્ટવેર-રોબોટિક્સ એન્જિનિયર અમિત ક્ષત્રિય ૨૦૦૩માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નાસામાં જોડાયા હતા. એ પછી તેમને રોબોટિક્સ અને સોફ્ટવેરના ક્ષેત્રે મહત્ત્વના મિશનમાં કામ કરવાની તક મળી. તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોબોટિક્સ એસેમ્બલીમાં પ્રમુખની ભૂમિકા પણ ભજવી હતી. ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન સ્પેસ સ્ટેશન ફ્લાઈટ ડિરેક્ટર તરીકે કાર્યરત રહ્યા. ૨૦૧૭થી ૨૦૨૧ સુધી અમિત ક્ષત્રિયને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના વ્હિકલ ઓફિસમાં ડેપ્યુટી મેનેજર અને પછી એક્ટિંગ મેનેજર બનાવાયા. ૨૦૨૧થી તેઓ નાસાના હેડક્વાર્ટરમાં એક્સપ્લોરેશન સિસ્ટમ ડેવલપમેન્ટ મિશન ડાયરેક્ટોરેટમાં ડેપ્યુટી એસોસિએટ એડમિનિસ્ટ્રેટર હતા.