ભારતીય અર્થતંત્ર ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં ૬થી ૬.૮ ટકાના દરે વિકાસ કરશે, જે છેલ્લા ત્રણેક વર્ષમાં સૌથી નીચો છે. આમ છતાં ભારત દુનિયાનું સૌથી ઝડપથી આગળ વધતું અગ્રણી અર્થતંત્ર બની રહેશે તેમ નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે બજેટ પૂર્વે આર્થિક સર્વેક્ષણ રજૂ કરતાં કહ્યું હતું. વર્ષ ૨૦૨૦ પછી દુનિયાએ આર્થિક સ્તરે કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ અને મોંઘા વ્યાજદર જેવા ત્રણ મોટા આંચકાનો સામનો કરવો પડયો. આવા મુશ્કેલ સમયમાં પણ દેશના અર્થતંત્રે તેની મજબૂતી જાળવી રાખી અને નાણાકીય વર્ષ ૨૩માં ફરી એક વખત ભારતીય અર્થતંત્ર કોરોના પહેલાંની સ્થિતિના માર્ગે ચાલવા લાગ્યું છે.