10 વર્ષ પહેલાં ડાર્કસ્પોટ ગણાતું ભારત આજે વાઇબ્રન્ટ સ્પોટ તરીકે જાણીતું : અમિત શાહ
આ સાથે જ 202૭ની સાલ સુધીમાં ભારતને વિકસિત દેશ તરીકેની હરોળમાં મૂકી દેવાના સંકલ્પનો સાક્ષાત્કાર કરવા માટેની નવી શરૂઆત થઈ ગઈ છે. દસ વર્ષ પહેલા વિશ્વમાં ભારતને ડાર્કસ્પોટ તરીકે જોવામાં આવતું હતું. આજે ભારતને વાઈબ્રન્ટ સ્પોટ તરીકે જોવામાં આવી રહ્યું છે.
દેશના વડાપ્રધાન તરીકેનો દોર 2014માં નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં લીધો ત્યારે ભારતનું અર્થતંત્ર વિશ્વનું 11માં ક્રમે આવતું અર્થતંત્ર હતું. આજે ભારતનું અર્થતંત્ર પાંચમાં ક્રમે આવી ગયું છે. નરેન્દ્ર મોદી ત્રીજી મુદત માટે પ્રધાનમંત્રી બને તે પછી બહુ જ થોડા વર્ષોમાં ભારતનું અર્થતંત્ર વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. તેમણે કહ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નવા આઈડિયા અને નવસંસ્કરણો-ઇન્નોવેશનને જોઈતું પ્લેટફોર્મ પૂરું પાડવાની કામગીરી કરી છે. તેની સાથે જ મૂડીરોકાણ ખેંચાઈ આવે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેનાથી માત્ર ગુજરાતને જ નહિ, પરંતુ સમગ્ર દેશના અર્થતંત્રને મદદ મળી છે. ગુજરાતને જોઈને દેશના ઘણાં રાજ્યોએ વાઈબ્રન્ટ જેવી સમિટ યોજીને ઔદ્યોગિક વિકાસને વેગ આપવાની કામગીરીનો આરંભ કર્યો છે.
વાઈબ્રન્ટ પ્રાઈમિનિસ્ટરની સરાહના કરતાં અમિત શાહે કહ્યું હતું કે વીસ વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ કેબિનેટ સમક્ષ વાઈબ્રન્ટ સમિટનો આઈડિયા મૂક્યો હતો. વાઈબ્રન્ટ સમિટને કારણે ઇન્વેસ્ટર્સને આકર્ષવાનું આખું સ્ટ્રક્ચર જ બદલાઈ ગયું છે. એક જમાનામાં નાનકડા હોલમાં ઉદ્યોગપતિઓને બોલાવીને તેમની સાથે ઇન્વેસ્ટમેન્ટની ચર્ચા કરવામાં આવતી હતી. આ રીતે ચાલુ કરવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટનો આ અમૃતકાળની પહેલી આવૃત્તિ છે, જે ભારતને વિકસિત દેશની હરોળમાં બેસાડવા સુધીની સફર પૂરી કરાવશે. વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવાનો વિચાર વહેતો મૂકીને તેનું સંગીન આયોજન કરીને પ્રોડક્શન અને ઇન્વેસ્ટમેન્ટ માટેના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતને નામના અપાવી છે. તેથી જ આજે ભારત વિશ્વ મિત્ર તરીકે પણ ઊભરી રહ્યું છે. વીસ વર્ષ પહેલા વાઈબ્રન્ટ સમિટ યોજવાના વિચારની હાંસી કરનારાઓ સામે ગિફ્ટ સિટી અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજ્યન-સર આકાર લઈ રહ્યા છે.
ગુજરાતના વિકાસની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં બેચરાજી ખાતે ઓટોમોબાઈલનું હબ છે. પ્રધાનમંત્રી મિત્ર પાર્ક, મેગા ફૂડ પાર્ક, મેડિકલ ડિવાઈઝ પાર્ક, બાયોટેક પાર્ક, એગ્રો પાર્ક અને સી ફૂડ પાર્ક જેવા અઅનેક ડેવલપમેન્ટ સેન્ટરો મોજૂદ છે. આ બધાં જ પાર્ક ઇન્વેસ્ટમેન્ટની અનેક તક હોવાનું પ્રસ્થાપિત કરી રહ્યા છે. ગુજરાત એ ઉદ્યોગનીતિથી દોરવાતું રાજ્ય છે. નરેન્દ્ર મોદીએ નીતિ આધારિત વિકાસ સાધતા રાજ્યના આપેલા વારસાનો વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગીન રીતે આગળ ધપાવ્યો છે. તેથી જ વિશ્વના મૂડીરોકાણકારો મૂડી રોકાણ કરવા માટે ગુજરાત અને ભારતની જ પસંદગી કરશે. ગુજરાતે આ ઉદ્યોગોના વિકાસ માટે મહત્તમ માળખાકીય સુવિધા પણ ઊભી કરી આપેલી છે.
આજે વિશ્વની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આપણે ગ્રીન ગ્રોથ તરફ અગ્રેસર થઈ રહ્યા છીએ. તેમાં ઇલેક્ટ્રિક વેહિકલ, ઈવીની બેટરી, ગ્રીન હાઈડ્રોજન, બાયોફ્યુઅલ, ઇથેનોલના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ. આ જ રીતે સ્પેસ-અંતરિક્ષના સેક્ટરમાં પણ ભારત કાઠું કાઢી રહ્યું છે. આજે રૂા. 9000 કરોડની આ ઇન્ડસ્ટ્રી 2040 સુધીમાં 40,000 કરોડથી પણ ઘણી આગળ નીકળી જશે તેવી ધારણા છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેમિકન્ડક્ટર્સનું મેન્યુફેક્ચરિંગ પણ ભારતના વિકાસને વેગ આપશે.