બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓના આંદોલનના કારણે દેશ છોડી ભાગવાની ફરજ પડયા પછી પણ શેખ હસીનાની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. શેખ હસીના અને અન્ય છ લોકો વિરુદ્ધ ગયા મહિનાના અંતમાં થયેલા હિંસક દેખાવોમાં કરિયાણાની એક દુકાનના માલીકની હત્યાનો કેસ નોંધાયો છે. શેખ હસીનાએ તેમની સામેના બળવા પાછળ અમેરિકાનો હાથ હોવાનો દાવો કરતાં વતન પાછા ફરવાના સંકેતો આપ્યા પછી આ કેસ નોંધાયો છે. બીજીબાજુ વચગાળાની સરકારના ગૃહમંત્રી સમકક્ષ સલાહકાર એમ. શેખાવત હુસૈને ભારતને આંતરિક બાબતોમાં દખલ નહીં કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું ભારત મહાસત્તા બનવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ તે અમારી બાબતોમાં દખલ કરશે તો સારું નહીં થાય.