ભારતમાં તેના જેવું સૌપ્રથમ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ એટલે કે ધ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર શુક્રવારે 31 માર્ચ 2023ના રોજ ખુલ્લુ મૂકવામાં આવશે. ભારત અને વિશ્વના પ્રેક્ષકો સમક્ષ સમગ્ર ભારતના શ્રેષ્ઠ સંગીત, નાટ્ય, લલીત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સેન્ટર ભારતના સાંસ્કૃતિક માળખાને મજબૂત કરવા અને કળાના ક્ષેત્રમાં ભારત અને વિશ્વની શ્રેષ્ઠતમ કળા-સંસ્કૃતિને એક મંચ પર લાવવા માટેનું વધુ એક નિશ્ચિત પગલું ચિહ્નિત કરશે.
ઉદ્દઘાટન કાર્યક્રમમાં 'સ્વદેશ' નામનું ખાસ ક્યુરેટેડ આર્ટ અને ક્રાફ્ટ એક્સપોઝિશન છે, તેની સાથે ત્રણ બ્લોકબસ્ટર - 'ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન' નામના મ્યુઝિકલ થિયેટર; ‘ઇન્ડિયા ઇન ફૅશન’ નામના કોસ્ચ્યુમ આર્ટ એક્ઝિબિશન અને ‘સંગમ/કોન્ફ્લુઅન્સ’ નામના વિઝ્યુઅલ આર્ટ શોનો સમાવેશ થાય છે. એકસાથે કાર્યક્રમની રૂપરેખા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓની વિવિધતા અને વિશ્વ પર તેમની અસરોને ઉજાગર કરે, જ્યારે કલ્ચરલ સેન્ટરના વૈવિધ્યનું પણ પ્રદર્શન કરે.
આ પ્રસંગે બોલતા શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું કે, “આ કલ્ચરલ સેન્ટરને સાકાર કરવું એ એક પવિત્ર યાત્રા રહી છે. સિનેમા અને સંગીતમાં, નૃત્ય અને નાટકમાં, સાહિત્ય અને લોકકથામાં, કળા અને હસ્તકળા તથા વિજ્ઞાન અને આધ્યાત્મિકતામાં અમારા કળાત્મક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા અને તેની ઉજવણી કરવા માટે એક સ્થળ તૈયાર કરવા માટે અમે ઉત્સુક હતા. એક એવી જગ્યા જ્યાં અમે વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરીએ છીએ અને વિશ્વના શ્રેષ્ઠનું ભારતમાં સ્વાગત કરીએ છીએ.”
બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ લોકો માટે મફત પ્રવેશ સાથે આ સેન્ટર અત્યંત સમાવિષ્ટ હશે અને શાળા તથા કૉલેજના કાર્યક્રમો અને સ્પર્ધાઓ, કળા શિક્ષકો માટે પુરસ્કારો, ગુરુ-શિષ્યના નિવાસી કાર્યક્રમો સહિતના સમુદાયના સંવર્ધન કાર્યક્રમો તથા પુખ્ત વયના લોકો માટે કળા સાક્ષરતા કાર્યક્રમો વગેરે પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સેન્ટરના ઉદ્દઘાટનના કાર્યક્રમોની કલ્પના ભારતના વિશાળ સાંસ્કૃતિક પ્રભાવને પ્રકાશિત કરવા અને તેને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કરવામાં આવી છે જ્યાં કળાકાર પ્રેક્ષકોને મળે. 'સ્વદેશ' નામનું એક પ્રકારનું આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્સ્પોઝિશન અનોખી અને પ્રતિષ્ઠિત ભારતીય પ્રાદેશિક કળાકૃતિઓની રજૂઆત કરે છે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશને વર્ષોથી જેને સમર્થન આપ્યું છે તેવી આઠ અદભૂત હસ્તકળામાં પિછવાઈ, બનારસી વણાટ, પટ્ટચિત્ર, સોઝની એમ્બ્રોઇડરી, બ્લુ પોટરી, કલ બાફી, પૈઠણી અને દૃષ્ટિહીન લોકો દ્વારા બનાવવા આવેલી મીણબત્તીઓનો સમાવેશ થાય છે.
આ ત્રણ આર્ટ થીમને આગળ લઈ જશેઃ
1. ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન’ – ભારતનો અત્યારસુધીનો સૌથી મોટો મ્યુઝિકલ શો, જે અસાધારણ ભારતીય ટેલેન્ટની લાઈન-અપ ધરાવે છે અને જેનું સર્જન અને નિર્દેશન ફિરોઝ અબ્બાસખાને ટોની એન્ડ એમી એવોર્ડ-વિજેતા ક્રુની સંગતમાં કર્યું છે. રસતરબોળ કરી દેનારા આ શોનો થિએટ્રિકલ અહેસાસ કરાવતો પ્રિમિયર, આ સેન્ટરના 2000-સીટની ક્ષમતા ધરાવતા ગ્રાન્ડ થિએટરમાં યોજાશે, જે વિશ્વ-સ્તરનો તેમજ ભારતમાં સૌથી વિશાળ સ્ટેજ ધરાવે છે.
આ કલાત્મક પ્રોડક્શન થકી અજય-અતુલ (મ્યુઝિક), મયૂરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ (કોરિયોગ્રાફી) જેવા અસાધારણ ભારતીય ટેલેન્ટની સાથે બુડાપેસ્ટમાંથી વિશાળ 55-પીસ લાઈવ ઓર્કેસ્ટ્રા સહિત 350+ કલાકારોને એક મંચ પર લાવશે, જે ઇતિહાસ દ્વારા ભારતીય સાંસ્કૃતિક સફરનું પ્રદર્શન કરશે. જેને જોતાં જ અભિભૂત થઈ જવાય તેવા આ શોમાં જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલા 1,100થી વધુ કોસ્ચ્યુમ પણ જોવા મળશે.
2. ઈન્ડિયા ઈન ફેશન – સુવિખ્યાત લેખક અને કોસ્ચ્યુમ નિષ્ણાત હેમિશ બોલ્સ દ્વારા તૈયાર કરાયેલ તેમજ એવોર્ડ-વિજેતા એક્ઝિબિશન ડિઝાઈનર પેટ્રિક કિન્મોન્થ સાથે મળીને રૂષાદ શ્રોફ દ્વારા ડિઝાઈન કરાયેલા અનન્ય પ્રદર્શન વૈશ્વિક ફેશનેબલ કલ્પનાશક્તિ પર ભારતની અસરને દસ્તાવેજ સ્વરૂપે પ્રસ્તુત કરતા 140થી વધુ પ્રકારના કોસ્ચ્યુમ પીસને દર્શાવશે. ભારતની પ્રેરણાત્મકતા ધરાવતા આ કોસ્ચ્યુમ પીસને વિશ્વભરના સૌથી મોટા મ્યુઝિયમ્સ તેમજ અગાઉ કદી ન જોવા મળેલા વ્યક્તિગત કલેક્શન્સમાંથી મેળવવામાં આવ્યા છે. આ પ્રદર્શનનો અદભુત સેટ ચેનલ એન્ડ ડિઓર જેવી આઈકોનિક બ્રાન્ડ્સથી માંડીને છેક 18મી સદી સુધીના સમયના ચાવીરૂપ ઐતિહાસિક પીસને પ્રદર્શિત કરશે.
3. સંગમ/ કન્ફ્લુઅન્સ- આર્ટ હાઉસને ખુલ્લું મૂકવાનો અવસર- જે વિઝ્યુઅલ આર્ટ્સ માટે એક સમર્પિત સ્થળ હશે, જ્યાં ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક પ્રેરણાઓ અને પરંપરાઓની અનુભૂતિ કરાવતી 5 ભારતીય અને 5 આંતરરાષ્ટ્રીય કલાકારોની બહુધા ઝાંખીઓ દર્શાવાશે. જેફ્રી ડેઈચ અને રણજિત હોસ્કોટે દ્વારા ક્યુરેટ કરાયેલું આ પ્રદર્શન ભારતીય સંસ્કૃતિમાં ઊંડા મૂળિયા ધરાવતી એકતાથી પ્રેરિત છે. સૌપ્રથમવાર ભારતમાં દર્શાવવામાં આવનારી એન્સેલ્મ કિફર અને ફ્રાન્સેસ્કો ક્લેમેન્ટ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ કલાકારોની કૃતિઓથી માંડીને શાંતિબાઈ જેવા પરંપરાગત ભારતીય કલાકારોની કૃતિઓ ધરાવનારો આ શો ખરા અર્થમાં અનોખા વૃત્તાંતનું સમૂહસ્થળ બની રહેશે.
આ સાથે જ, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દરેકને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસની સંવેદનાત્મક સફર ખેડવા આમંત્રિત કરે છે. ઓડિયન્સ પોતાની ટિકિટને nmacc.com અથવા BookMyShow પર બુક કરાવી શકે છે.