દુનિયાના ૧૨૧ દેશોનો ગ્લોબલ હંગર ઈન્ડેક્સ જાહેર થયો છે, જેમાં ભારતની સ્થિતિ પડોશી દેશો પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશથી પણ પાછળ છે. એટલું જ નહીં દક્ષિણ એશિયામાં એકમાત્ર અફઘાનિસ્તાન (૧૦૯) કરતાં ભારત આગળ છે. ગયા વર્ષે ૧૧૬ દેશોમાં ભારત ૧૦૧મા ક્રમે હતું. આમ આ વર્ષે ભારતમાં ભૂખમરાની સ્થિતિ વધુ કથળી હોવાનો હંગર ઈન્ડેક્સમાં દાવો કરાયો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ મારફત દર વર્ષે વૈશ્વિક, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભૂખની સ્થિતિ માપવામાં આવે છે.
દુનિયામાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાંથી ભૂખમરાની સ્થિતિને દૂર કરવાના આશયથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૦૦થી દર વર્ષે હંગર ઈન્ડેક્સની જાહેરાત કરાય છે. તેની ગણતરી ચાર માપદંડોના આધારે થાય છે, જેમાં કુપોષણ, બાળકોમાં ભયાનક કુપોષણ,બાળકોના વિકાસમાં અવરોધ અને બાળ મૃત્યુદરનો સમાવેશ થાય છે.