રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતના એક દાવાથી રાજકીય વિવાદ થયો છે. ભાગવતે કહ્યું હતું કે ભારતને ૧૯૪૭માં બ્રિટિશરોથી રાજકીય આઝાદી મળી હતી જ્યારે દેશને સાચી આઝાદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મળી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઇ જેના એક વર્ષની ઉજવણી વચ્ચે ભાગવતે આ નિવેદન આપ્યું હતું. જોકે તેમના આઝાદીના નિવેદનને લઇને ભારે વિવાદ થયો છે અને કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આરએસએસના લોકોને લાગી રહ્યું છે કે રામ મંદિર બન્યું પછી જ દેશ આઝાદ થયો, તેઓને ૧૯૪૭માં મળેલી આઝાદી એટલા માટે યાદ નથી કેમ કે તેઓ દેશની આઝાદી માટે લડયા જ નથી.