ભારત સરકારે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૩ના ત્રણ માસના સમયગાળા માટે પોસ્ટ ઓફિસની મુદતી થાપણ માટેના વ્યાજદરમાં ૧.૧ ટકા (૧૧૦ પૈસા)નો તથા માસિક આવક યોજના-મન્થલી ઇન્કમ સ્કીમના વ્યાજદરમાં ૪૦ પૈસા અને કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં ૨૦ પૈસાનો વધારો કર્યો છે. આમ પોઈન્ટ ચાર ટકાથી માંડીને એક પોઈન્ટ એક ટકાનો વધારો કરવાની આજે જાહેરાત કરી છે. જોકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર પૂર્વવત ૭.૧ ટકાની સપાટીએ જાળવી રાખવામાં આવ્યા છે. આ જ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં આવતા વ્યાજના દર અગાઉની માફક ૭.૬ ટકા જ જાળવી રાખવામાં આવ્યા છે. સવા દસ વર્ષ એટલે કે ૧૨૩ મહિના માટેના કિસાન વિકાસ પત્ર પર આપવામાં આવતા ૭ ટકાથી વધારીને ૭.૨૦ ટકા કરવામાં આવ્યા છે. સરકારે દેશના સિનિયર સિટિઝન્સ પર પણ કૃપાનો વરસાદ કરતાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજદર ૭.૬ ટકાથી સુધારીને ૮ ટકા કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨ના ત્રિમાસિક ગાલામાં વ્યાજના દરમાં ૧૦ પૈસાથી માંડીને ૩૦ પૈસા સુધીનો સુધારો કરવામાં આવ્યો હતો.