બેંગ્લોર અને કર્ણાટકના આવકવેરાના અધિકારીઓની ટીમ મહેસાણાના વેપારીના બંગલામાં અને જીઆઈડીસીના પ્લોટમાં અને શોભાસણ રોડ પરની ઓફિસના લોખંડના ધંધાના સ્થળે સવારથી ત્રાટકી હતી. ગોવા ખાતેની નાઈટ ક્લબમાં ઈન્કમટેક્સના દરોડાના પગલે આ દરોડા પાડયા હોવાનું જાણવા મળ્યું છે.
આવકવેરા વિભાગની ટીમો દ્વારા ગોવા ખાતેની બહુચર્ચિત નાઈટ ક્લબમાં દરોડા પાડી બેનામી હિસાબોની ચકાસણી હાથ ધરી હતી.જેનો રેલો મહેસાણા સુધી લંબાતા ગોવા ખાતેની ડેલ્ટા અને એમ્બોસ નાઈટ ક્લબના ભાગીદાર મનાતા કેતન સોમાભાઈ પટેલ (રહે.જોહ્નાપાર્ક સોસાયટી, ધરમ સિનેમા પાછળ, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા) ના નિવાસ સ્થાન અને ધંધાના સ્થળોએ કર્ણાટક અને બેંગ્લોરની ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓની જુદીજુદી ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.