લોકસભાની ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલથી વિપરીત આવતા શેરબજારમાં બોલેલો પ્રચંડ કડાકો ત્રણ દિવસમાં જ રિકવર થઈ જવા પામ્યો છે. એનડીએના સાથી પક્ષોના ટેકાથી નરેન્દ્ર મોદી ફરી એકવાર સરકાર રચશે તેવા અહેવાલો તેમજ બજાર સામે થયેલા પ્રતિકૂળ નિવેદનોને આજે ડિસ્કાઉન્ટ કરી વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ આજે ૭૬૭૯૫ની ઓલટાઇમ સપાટી રચી કામકાજના અંતે ૧,૬૧૯ અને નિફ્ટી ૪૬૯ પોઇન્ટ ઉછળીને બંધ આવ્યા હતા. સેન્સેક્સના ઉછાળા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૬ લાખ કરોડનો વધારો થયો છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં તેમાં રૂ. ૨૮.૬૬ લાખ કરોડનો જંગી વધારો જોવા મળ્યો છે.