દિલ્હીમાં શ્રદ્ધા વોલ્કરની હત્યા કરીને તેના શરીરના ૩૫ ટુકડા કરી દેવામાં આવ્યા હતા. જ્યારે હવે આ જ પ્રકારની ઘટના રાજસ્થાનના જયપુરમાં પણ સામે આવી છે. જયપુરમાં ભત્રિજાએ પોતાની કાકીની હથોડાથી હત્યા કરી નાખી હતી, બાદમાં તેના શરીરના ૧૦ ટુકડા કરીને તેને ફેંકી દીધા હતા.
જયપુર પોલીસે હત્યાના આરોપી અનુજ શર્માની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અનુજ શર્માએ ૧૧મી તારીખે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આરોપીએ ૬૨ વર્ષીય સરોજ શર્માના માથા પર હથોડાથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ સરોજનું મોત નિપજ્યું હતું. બાદમાં અનુજે સરોજના શરીરના ટુકડા કરી નાખ્યા હતા, પહેલા અનુજે શરીરના ટુકડા કરવા માટે ચાકુનો ઉપયોગ કર્યો હતો, જોકે તેનાથી ટુકડા ન થતા બાદમાં માર્બલ કાપવા માટેના કટરનો ઉપયોગ કર્યો હતો.