ભાવનગર શહેર અને જિલ્લાના 4 તાલુકાઓમાં આજે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહ્યો હતો તે સિવાય જિલ્લાના મહુવા અને જેસરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મહુવા પંથકમાં ગત મધ્યરાત્રિથી વહેલી સવારે ૬ વાગ્યા વચ્ચે ત્રણ ઇંચ અને જેસરમાં રાત્રે બેથી સવારે 6 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. મહુવા પંથક અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે માલણ, બુટીયો, દોગી અને બગડ નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને નદીઓ બે કાંઠે વહી હતી. બુટીયો અને બગડ નદીમાં આવેલા પુરના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.