ફેબ્રુઆરી ૨૦૨૫ના મહિનામાં કેન્દ્ર સરકારને જીએસટીની આવક રૂ. ૧.૮૪ લાખ કરોડની થઈ ગઈ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની માસિક આવકમાં ૯.૧ ટકાનો વધારો થયો છે. જીએસટીની વધેલા આવક દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ચીજવસ્તુઓનો વપરાશ વધી રહ્યો છે. પરિણામે દેશનું અર્થતંત્ર ફરીથી ધબકતું થાય તે માટેની આશા બળવત્તર બનવા માંડી છે. વૈશ્વિક સ્તરેથી ઊભા થઈ રહેલા પડકારો સામે ભારતનું અર્થતંત્ર ટકી રહેવામાં સફળ રહ્યું હોવાનો નિર્દેશ પણ આ સાથે જ મળી ગયો છે.