રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે અચાનક જ કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં ઇમામોના સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડૉ. ઉમર અહેમદ ઈલિયાસી અને અન્ય મુસ્લિમ નેતાઓ સાથે લગભગ એક કલાક મુલાકાત કરી. આ બેઠક પછી ડૉ. ઉમર અહેમદ ઈલિયાસીએ ભાગવતને રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રઋષિ ગણાવ્યા હતા. ભાગવતે આઝાદ માર્કેટની મદરેસામાં બાળકો સાથે પણ મુલાકાત કરી હતી. અહીં તેમણે બાળકોને ઈસ્લામિક શિક્ષણની સાથે આધુનિક શિક્ષણ મેળવવા પર ભાર મૂક્યો હતો. મુસ્લિમ સમાજ સાથે સંપર્ક સાધવાના અભિયાનના ભાગરૂપે ભાગવત એક મહિનામાં બીજી વખત મુસ્લિમ ધર્મગુરુઓ અને બુદ્ધિજીવીઓને મળ્યા હતા.